રાજકોટ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રાજકોટમાં મહિલાઓના આરોગ્ય અને ફિટનેસને લઈને એકદમ અલગ જ પ્રોગ્રામ થઈ રહ્યો છે. રાજકોટ સાયકલ ક્લબ અને રોટરી મિડટાઉન લાઇબ્રેરીના સહયોગથી 8 માર્ચે ખાસ ‘લેડીઝ ઓનલી’ સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રાઈડમાં શહેરની યુવતીઓ અને મહિલાઓ ભાગ લઈને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપશે. આજના ઝડપી જીવનમાં મહિલાઓ ઘર, સમાજ અને દેશના વિકાસમાં મોટું યોગદાન આપે છે, પણ પોતાના આરોગ્ય અને ફિટનેસ તરફ ઓછું ધ્યાન આપે છે. આ કાર્યક્રમ એ જ બાબતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે, જેથી મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ વધે, ફિટનેસ પ્રત્યે રસ જાગે અને આત્મવિશ્વાસ પણ વધે.
14 વર્ષથી ઉપરની તમામ યુવતીઓ અને મહિલાઓ આ રાઈડમાં જોડાઈ શકે છે. આયોજકો કહે છે કે સાયકલિંગ એક સરળ અને સારી કસરત છે, જે શરીરને તંદુરસ્ત રાખે છે અને મનને પણ મજબૂત બનાવે છે. આ રીતે મહિલાઓને સશક્ત અને તંદુરસ્ત બનાવવાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.
ક્યારે અને ક્યાં થશે આ રાઈડ?
- તારીખ : રવિવાર, 8 માર્ચ 2026
- રિપોર્ટિંગ : સવારે 6:15 વાગ્યે
- ફ્લેગ ઓફ : સવારે 6:30 વાગ્યે
- પૂર્ણ થવાનો સમય : સવારે 8 વાગ્યે
રાઈડ રોટરી મિડટાઉન લાઇબ્રેરીથી શરૂ થશે. ત્યાંથી કોટેચા ચોક, કાલાવડ રોડ, ગ્વાલિયર સ્વીટ્સ પાસે ડાબે વળીને, જંક્શન પર જમણે વળીને ફરી કાલાવડ રોડ થઈને ન્યારી ડેમ સુધી જવાનું છે. પછી એ જ રસ્તે પાછા આવવાનું છે.
રાજકોટ સાયકલ ક્લબના અનુભવી વોલન્ટિયર્સ આખી રાઈડ દરમિયાન માર્ગદર્શન અને સુરક્ષા માટે હાજર રહેશે, જેથી બધી બહેનો નિશ્ચિંતપણે રાઈડ પૂરી કરી શકે. રાઈડ પૂરી થયા બાદ તમામ મહિલાઓ માટે હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો પણ રાખવામાં આવ્યો છે, જેથી નવી તાજગી અને ઊર્જા મળે.
નોંધણી બિલકુલ ફ્રી છે, પણ ફરજિયાત છે. ભાગ લેવા માંગતી મહિલાઓ રોટરી મિડટાઉન લાઇબ્રેરીમાં સંપર્ક કરી શકે છે. ફોન નંબર : 7405-513468 (નોંધ : લાઇબ્રેરી સોમવારે બંધ રહે છે).
આવો, આ મહિલા દિવસે સાથે મળીને પેડલ ફેરવીએ અને નારી શક્તિનો પેડલ પાવર બતાવીએ!
આ પણ વાંચો : સુગર-ફ્રી ગુજરાતી મીઠાઈ | ડાયાબિટીસમાં મીઠાઈનો આનંદ | Healthy Recipes